રાજ્યના 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોને બે દિવસીય તાલીમ સંપન્ન

રાજ્યમાં ICDS યોજના અંતર્ગત 3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોને બે દિવસીય તાલીમ આપવામાં આવી. આધુનિક શિક્ષણ પદ્ધતિ, ડિજિટલ ટ્રેકિંગ અને પોષણ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે.

3691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોને બે દિવસીય તાલીમ

બાળકોના સર્વાંગી વિકાસ, આરોગ્ય, પોષણ અને પ્રારંભિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. બાળકોના ભવિષ્યને પાયાથી જ સશક્ત બનાવવાના દૃઢ સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં ૯,૦૦૦થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

૩,૬૯૧ કાર્યકરો માટે વ્યાપક તાલીમ

આ નવનિયુક્ત કર્મચારીઓ આઈ.સી.ડી.એસ. યોજનાના સુદ્રઢ અમલીકરણમાં અસરકારક રીતે જોડાઈ શકે તે હેતુથી રાજ્યભરમાં કુલ ૩,૬૯૧ આંગણવાડી કાર્યકરો માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દ્વારા કાર્યકરોને તેમના જવાબદારીભર્યા કાર્ય માટે જરૂરી જ્ઞાન, કુશળતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

પ્રારંભિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન

આ તાલીમ બાળકોના પ્રારંભિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો એક મહત્વપૂર્ણ સેતુ બની છે. તાલીમ પામેલા કાર્યકરો હવે આધુનિક અને બાળમૈત્રીપૂર્ણ શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવી બાળકોને રમત-ગમત સાથે પાયાનું શિક્ષણ આપશે. પરિણામે આંગણવાડીના બાળકોમાં શીખવાની રુચિ વધશે તેમજ શાળાએ જવાની તૈયારી વધુ મજબૂત બનશે.

ડિજિટલ ટેકનોલોજીથી સચોટ ટ્રેકિંગ

તાલીમ દરમિયાન વિવિધ સરકારી એપ્લિકેશન અને મોડ્યુલના ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ડિજિટલ સાધનોના માધ્યમથી બાળકોના શિક્ષણ, આરોગ્ય અને પોષણની પ્રગતિનું ટ્રેકિંગ વધુ સચોટ અને પારદર્શક બનશે, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં સીધો સુધારો થશે.

માતા–બાળક વિકાસમાં આંગણવાડી કાર્યકરની ભૂમિકા

માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને શિક્ષણ માટે આંગણવાડી કાર્યકર મુખ્ય આધારસ્તંભ છે. તાલીમ બાદ કાર્યકરો બાળકોના માનસિક, સામાજિક અને શારીરિક વિકાસ પર વધુ સુવ્યવસ્થિત રીતે ધ્યાન આપી શકશે. પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રક્ટર અને વિષય નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાળકો માટે વિકાસલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

આંગણવાડી ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ

આ તાલીમનો ઉદ્દેશ્ય માત્ર વહીવટી જાણકારી પૂરતો સીમિત નથી, પરંતુ આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો છે. માસ્ટર ટ્રેનર્સ, CDPO અને સુપરવાઈઝરો દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. NNM જિલ્લા કો-ઓર્ડિનેટર્સ દ્વારા સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી.

કિશોરીઓ અને બાળકો માટે ડિજિટલ માર્ગદર્શન

જિલ્લા કક્ષાના વિષય નિષ્ણાંતો, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ આસિસ્ટન્ટ અને પૂર્ણા કન્સલ્ટન્ટ દ્વારા કિશોરીઓ તથા બાળકો માટેની વિવિધ યોજનાઓના ડિજિટલ ટ્રેકિંગ અંગે કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા. આ પગલાંથી યોજનાઓના અમલીકરણમાં પારદર્શકતા અને અસરકારકતા વધશે.

વિકસિત ગુજરાત તરફ મજબૂત પાયો

બે દિવસીય આ તાલીમથી નવનિયુક્ત આંગણવાડી કાર્યકરો પોતાના કાર્યક્ષેત્રમાં પ્રવેશતા જ જવાબદારીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ બન્યા છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો થશે અને પ્રાથમિક શિક્ષણનો પાયો વધુ મજબૂત બનશે. આ પહેલ ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Leave a Comment