International Kite Festival 2026: સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાશે

સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે તા. ૧૨થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર International Kite Festival 2026માં ૫૦ દેશોના પતંગબાજો, રાત્રિ પતંગ ઉડાન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્તરાયણની ભવ્ય ઉજવણી થશે.

International Kite Festival 2026

ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરાનું વૈશ્વિક પ્રતિબિંબ બનેલો ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’ (International Kite Festival 2026) આ વર્ષે વધુ ભવ્ય અને વૈવિધ્યસભર સ્વરૂપે ઉજવાવા જઈ રહ્યો છે. ઉત્તરાયણના પાવન અવસરે તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે આ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરીક મર્ઝ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે, જે મહોત્સવને આંતરરાષ્ટ્રીય મહત્વ આપશે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઉત્તરાયણ એટલે માત્ર તહેવાર નહીં પરંતુ જનભાવનાથી જોડાયેલો ઉત્સવ છે. આ મહોત્સવ દ્વારા ગુજરાતની આ અનોખી પરંપરાને વિશ્વ સમક્ષ ગૌરવપૂર્વક રજૂ કરવામાં આવશે.

દેશ-વિદેશના પતંગબાજોની વિશાળ ભાગીદારી

તા. ૧૨થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં વિશ્વના ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લેશે. આ સાથે ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો જોડાઈ કુલ ૧,૦૭૧ પતંગપ્રેમીઓ આકાશમાં રંગીન પતંગો ઉડાડશે. વિવિધ આકાર, વિશાળ કદ અને કલાત્મક ડિઝાઇનના પતંગો આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બનશે.

રાત્રિ પતંગ ઉડાન અને વારસાગત આકર્ષણો

મહોત્સવ દરમિયાન તા. ૧૩ જાન્યુઆરીના રોજ વિશેષ રાત્રિ પતંગ ઉડાન યોજાશે, જેમાં પ્રકાશથી ઝળહળતા પતંગો રાત્રીના આકાશમાં અદભૂત નજારો સર્જશે. સાથે જ અમદાવાદની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરતી હેરિટેજ હવેલીઓ, પૌરાણિક પોળ સંસ્કૃતિ, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, હસ્તકલા બજાર તથા આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સ મુલાકાતીઓને વિશેષ અનુભવ આપશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકસંગીતની મહેક

દરરોજ સાંજે ૭:૦૦ વાગ્યાથી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં લોકપ્રિય લોક ગાયિકા કિંજલબેન દવે પોતાની લોકગીતોની પ્રસ્તુતિથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને પરંપરાગત ગુજરાતી વ્યંજનોને પ્રોત્સાહન આપશે.

સમગ્ર ગુજરાતમાં પતંગોત્સવનો માહોલ

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અમદાવાદ (International Kite Festival 2026) ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરા ખાતે તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ, વડનગર, શિવરાજપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૧ જાન્યુઆરી તથા વડોદરા ખાતે તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે. વિવિધ શહેરોમાં યોજાનારા કાર્યક્રમો દ્વારા સમગ્ર રાજ્યમાં ઉત્સવનો ઉત્સાહ ફેલાશે.

પ્રવાસન વિકાસને મળશે નવી ગતિ

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે (International Kite Festival 2026) સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ગુજરાત ટૂરિઝમના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૬માં પાંચ લાખથી વધુ દેશી-વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લેશે. આ મહોત્સવ ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને પ્રવાસન શક્તિને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યું છે.

Leave a Comment