ગુજરાતમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026નું આયોજન થશે. અમદાવાદ રિવરફ્રન્ટ સહિત 16 શહેરોમાં 700થી વધુ સ્ટોલ, ફૂડ ફેસ્ટ અને કૃષિ પ્રદર્શન મુખ્ય આકર્ષણ રહેશે.
મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ 2026
ગુજરાત રાજ્યમાં કૃષિ વિકાસ અને ‘શ્રી અન્ન’ના પ્રચાર-પ્રસાર માટે રાજ્ય સરકાર દ્વારા તા. 21 અને 22 માર્ચે “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ–2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.
અમદાવાદમાં મુખ્ય કાર્યક્રમ, 16 શહેરોમાં સમકાલીન આયોજન
રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને આગળ વધારવાના હેતુથી “ધરતીનું સોનું – શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ”ના સૂત્ર સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી, વાપી, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ સહિત કુલ 16 મહાનગરપાલિકાઓમાં સમકાલીન રીતે મહોત્સવ ઉજવાશે.
ખેડૂતોને મફત સ્ટોલ, સીધી વેચાણની તક
આ બે દિવસીય મહોત્સવમાં અમદાવાદમાં આશરે 85 સ્ટોલ અને અન્ય શહેરોમાં કુલ 620 સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. આ સ્ટોલ ખેડૂત મંડળીઓ, FPO અને વ્યક્તિગત ખેડૂતોને સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, જેથી તેઓ પોતાના ઉત્પાદનને સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે અને યોગ્ય ભાવ મેળવી શકે.
ફૂડ ફેસ્ટથી એગ્રી-સ્ટાર્ટઅપ સુધીના આકર્ષણો
મહોત્સવમાં મિલેટ પ્રદર્શન, ફૂડ ફેસ્ટ, કૃષિ-ટેક ઝોન, એગ્રી સ્ટાર્ટઅપ્સ તેમજ મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુલાકાતીઓ અહીં મિલેટથી બનેલા વિવિધ ઉત્પાદનો ખરીદી શકશે તેમજ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશે.
પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ પગલું
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મિલેટ ઓછા પાણીમાં અને રાસાયણિક ખાતર વગર ઉગી શકે છે, જે પ્રાકૃતિક ખેતી માટે ઉત્તમ વિકલ્પ છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી ધરતીના સંરક્ષણ અને ખેડૂતોની આવકમાં વધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
નાગરિકોને મુલાકાત લેવા અનુરોધ
રાજ્યના નાગરિકોને આ મહોત્સવની મુલાકાત લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે. આ મહોત્સવ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપનાર સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.