ગુજરાતના લોકમેળા : ગુજરાતમાં દર વર્ષે નાના-મોટા 1600 ઉપરાંત મેળાઓ યોજાય છે. આમાંથી 500થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે. સૌથી વધુ, આશરે 159 મેળાઓ સુરત જીલ્લામાં અને સૌથી ઓછા, આશરે 7 મેળાઓ ડાંગ જીલ્લામાં યોજાય છે. કેટલાક પ્રચલિત મેળાઓ નિચે પ્રમાણે છે.
ગુજરાતના લોકમેળા
પોસ્ટનું નામ | ગુજરાતના લોકમેળા |
પોસ્ટ પ્રકાર | જનરલ નોલેજ |
વિષય | ગુજરાતી સાહિત્ય |
ગુજરાતના લોકમેળા PDF
ગુજરાતમાં દરેક મેળાઓનું પોતાનું આગવું સ્થાન છે. મેળાઓમાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. મેળો એટલે લોકગીતો ગવાતા હોય, ચકડોળ, ચકરડીના અવાજ, પીપુડીઓ, અવનવી નાસ્તાઓનું વસ્તુ ખાવાની મજા જ કૈક અલગ હોય છે.
આપડે મુખ્ય ગુજરાતના લોકમેળાઓની વાતો કરીએ જે નીચે મુજબ છે.
શામળાજીનો મેળો
અરવલ્લી જીલ્લામાં મેશ્વો નદીના કિનારે આવેલા પ્રાચીન તીર્થ શામળાજીમાં દેવઊઠી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. આ મેળામાં આદિવાસીઓ અને ભીલો મોટી સંખ્યામાં આવે છે.
તરણેતરનો મેળો
સુરેન્દ્રનગર જીલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી ભરતો આ મેળો ગુજરાત સહિત ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. ભારતના પ્રવાસે આવેલા વિદેશીઓ પણ આ મેળાનો લ્હાવો લે છે. સુંદર ભરતભર્યા અંગરખા અને લાલ ફેંટા બાંધેલા આહીર, રબારી, કાઠી અને ભરવાડ યુવાનો તથા તેમની સાથે આભલાં ભરેલી રંગબેરંગી ઘેરદાર ઘાઘરા અને ઓઢણા સાથે ભરત ભરેલી છત્રીઓ ઓઢી ઘૂમતી યુવતીઓ આ મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે
ભવનાથનો મેળો
જૂનાગઢ પાસે ગિરનારની તળેટીમાં સુવર્ણરેખા નદી નજીક આવેલા ભવનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રીની મધ્ય રાત્રીએ ભગવાન ભવનાથની મહાપૂજા થાય છે. આ મહાપૂજાના દર્શન કરવા માટે નાગાબાવાઓના ઝુંડ આ સ્થળે ઊમટી પડે છે. આ ઉપરાંત જૂનાગઢ જીલ્લાના આહીર અને મેર લોકો, સાધુ-સંતો, ભક્તો અને શ્રધાળુઓ લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
વૌઠાનો મેળો
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે સાબરમતી, વાત્રક, હાથમતી, ખારી, મેશ્વો, માઝમ અને શેઢી એમ સાત નદીઓને સંગમ થાય છે. ‘સપ્તસંગમ’ તરીકે ઓળખાતું આ સ્થળ પવિત્ર તીર્થ મનાય છે. કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા સુધી ગુજરાતભરમાંથી લાખો લોકો અહીં સ્નાન કરવા આવે છે.
ડાકોરનો માણેકઠારી પૂનમનો મેળો
ખેડા જીલ્લાના ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. પરંતુ આસો માસની પૂનમ(શરદ પૂનમ-માણેક-ઠારી પૂનમ)નો મેળો મોટો ગણાય છે. એવી લોકવાયકા છે કે આ દિવસે ભગવાન રણછોડરાયજી સક્ષાત હાજર હોય છે. આ દિવસે રણછોડરાયજીને ખાસ વસ્ત્રો અને કીમતી અલંકારોથી શણગારવામાં આવે છે. આ દિવસે જ ભગવાનને વિશાળ કીમતી મુગટ પહેરાવાય છે.
જન્માષ્ટમીનો મેળો
શ્રાવણ વડ આઠમના રોજ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગુજરાતનાં અનેક શહેરો અને ગામડાઓમાં મેળાઓ ભરાય છે.
પલ્લી
આસો સુદ નોમના દિવસે રૂપાલ(જી.ગાંધીનગર)માં માતાની પલ્લી ભરાય છે. જેમાં માંડવી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે.