HMPV : ચીનમાં માનવ મેટાન્યુમોવાઈરસ (HMPV)ના પ્રકોપ અંગે વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ છે, DGHS, NCDC, MoH&FW અને ભારત સરકારશ્રી દ્વારા તારીખ 03-01-2025ના રોજ નિવેદન આપવામાં આવેલ છે કે મેટાન્યુમોવાઈરસ (HMPV) અન્ય શ્વસન વાયરસ જેવા જ વાયરસ છે. જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણો સામાન્ય શરદી અને ફ્લુનો સમાવેશ થાય છે.
HMPV
આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે. જેમાં ડિસેમ્બર 2023ની સરખામણીએ ડિસેમ્બર 2024માં કોઈ નોંધપાત્ર વધારો થયેલ નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરે છે.
શું કરવું (Do’s)
જયારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીસ્યુથી ઢાંકવું.
નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.
ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લુથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછુ એક હાથનું અંતર રાખવું.
તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટીલેશન વાળા વાતાવરણમાં રહેવું.
શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક માર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.
શું ના કરવું (Don’ts)
આવશ્યક નાં હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહી.
ચેપ ગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.
જાતે દવા લેવાનું ટાળવું. લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું