નમો શ્રી યોજના: એક વર્ષમાં ૭ લાખથી વધુ સગર્ભા મહિલાઓને રૂ. ૪૩૭ કરોડની સહાય | ગુજરાત સરકાર

ગુજરાત સરકારની નમો શ્રી યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ સગર્ભા મહિલાઓને રૂ. ૪૩૭.૩૨ કરોડની સહાય DBT મારફતે ચૂકવાઈ. યોજના, લાભ, પાત્રતા અને વિગત વાંચો.

ગુજરાત સરકારની નમો શ્રી યોજના

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરી આરોગ્ય તથા પોષણના સ્તરને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમલમાં મુકાયેલી ‘નમો શ્રી યોજના’ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના બની છે. વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત ૭ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને ગુજરાત સરકાર દ્વારા કુલ રૂ. ૪૩૭.૩૨ કરોડની સહાય DBT મારફતે ચૂકવવામાં આવી છે.

બે પ્રસુતિ સુધી લાભની સુવિધા

‘નમો શ્રી યોજના’ હેઠળ રાજ્યની સગર્ભા મહિલાઓ બે પ્રસુતિ સુધી આર્થિક સહાયનો લાભ લઈ શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ પોતાની સગર્ભાવસ્થાની નોંધણી ફરજિયાત રીતે ફીમેલ હેલ્થ વર્કર પાસે કરાવવાની રહે છે. નોંધણી બાદ મેડિકલ ઓફિસર તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અથવા અર્બન તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે, જેથી સહાય યોગ્ય લાભાર્થી સુધી પારદર્શક રીતે પહોંચે.

પ્રથમ પ્રસુતિ માટે ચાર તબક્કામાં રૂ. ૧૨,૦૦૦ની સહાય

પ્રથમ પ્રસુતિ દરમિયાન લાભાર્થી મહિલાને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને કુલ રૂ. ૧૨,૦૦૦ની સહાય ચાર તબક્કામાં આપવામાં આવે છે. પ્રથમ હપ્તા તરીકે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦ અને કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૩,૦૦૦ આપવામાં આવે છે. સગર્ભાવસ્થાના છ મહિના પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦નો બીજો હપ્તો ચૂકવવામાં આવે છે. ત્યારબાદ સંસ્થાકીય પ્રસુતિ સમયે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩,૦૦૦નો ત્રીજો હપ્તો આપવામાં આવે છે, જ્યારે રસીકરણ દરમિયાન ૧૪માં અઠવાડિયે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦નો ચોથો હપ્તો આપવામાં આવે છે.

બીજી પ્રસુતિ સમયે પણ સંપૂર્ણ આર્થિક સહાય

બીજી પ્રસુતિ વખતે પણ લાભાર્થીને કુલ રૂ. ૧૨,૦૦૦ની સહાય આપવામાં આવે છે. જેમાં સગર્ભાવસ્થાની નોંધણી સમયે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૦૦૦નો પ્રથમ હપ્તો, છ મહિના પૂર્ણ થયા બાદ રૂ. ૩,૦૦૦નો બીજો હપ્તો આપવામાં આવે છે. સંસ્થાકીય પ્રસુતિ દરમિયાન દીકરીના જન્મ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૬,૦૦૦ અને દીકરાના જન્મ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૬,૦૦૦ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ નવ મહિના પૂર્ણ થયા બાદ સંપૂર્ણ રસીકરણ સમયે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦નો ચોથો હપ્તો ચૂકવવામાં આવે છે.

૧૧ કેટેગરીની મહિલાઓને યોજનાનો લાભ

નમો શ્રી યોજના’ હેઠળ રાજ્યમાં કુલ ૧૧ કેટેગરીની મહિલાઓને લાભ આપવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ, ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ મહિલાઓ, BPL રેશન કાર્ડ ધારક મહિલાઓ, PMJAY–આયુષ્માન ભારત કાર્ડ ધરાવતી મહિલાઓ, ઈ-શ્રમ કાર્ડ ધરાવતી મહિલાઓ, કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલ મહિલા ખેડૂતો, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, વાર્ષિક રૂ. ૮ લાખથી ઓછી આવક ધરાવતી મહિલાઓ, સગર્ભા તથા સ્તનપાન કરાવતી AWWs/AWHs/ASHAs, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ–૨૦૧૩ હેઠળ રેશન કાર્ડ ધરાવતી સગર્ભા મહિલાઓ તેમજ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય શ્રેણીની મહિલાઓનો સમાવેશ થાય છે.

આરોગ્ય અને પોષણ માટે મજબૂત બજેટ જોગવાઈ

ઉલ્લેખનીય છે કે ‘નમો શ્રી યોજના’ અંતર્ગત રાજ્ય સરકારે વાર્ષિક રૂ. ૪૮૮.૪૦ કરોડની બજેટ જોગવાઈ કરી છે. આ યોજનાથી સંસ્થાકીય પ્રસુતિને પ્રોત્સાહન મળ્યું છે તેમજ માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને સુરક્ષામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે. ‘નમો શ્રી યોજના’ સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરતી એક અસરકારક અને લોકહિતકારી યોજના તરીકે ઊભરી આવી છે.

Leave a Comment