નોકરી, યોજના કે નવા સમાચાર માટે સર્ચ કરો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ

રોડ-રસ્તા સમારકામની કામગીરી: રાજ્યમાં હાલ ચોમાસુ ચાલી રહ્યું છે જેના લીધે ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ખુબ જ નુકસાન થયું છે.

રોડ-રસ્તા સમારકામની કામગીરી

આ પરિસ્થિતિમાં રાજ્યના એક પણ નાગરિક તકલીફ ન પડે તે માટે રોડ, રસ્તા અને પુલની સમારકામ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે જલ્દી પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જેતે વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યની કુલ 17 મહાનગરપાલિકાઓમાં આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે.

શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, વડોદરા , ગાંધીનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની અગાઉની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 300 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 291 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓ રીપેર કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના કામો પણ એક અઠવાડિયામાં જલ્દી પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 41.27 કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

17 મહાનગરપાલિકાઓમાં આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ

રાજ્યની જૂની આઠ મહાનગરપાલિકાઓના કેટલાક માર્ગો પર 14,566 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 14,647 ખાડા બુરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ જલ્દી જ બુરી દેવાની કામગીરી આવતા બે દિવસમાં પૂર્ણ કરી નાખવામાં આવશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 14,778 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 11,460 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ જલ્દી ઉકેલ કરવામાં આવશે.

વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ, નડિયાદ, નવસારી, વ્યાપી, ગાંધીધામ, મોરબી અને પોરબંદર એમ ગુજરાતની હાલમાં બનાવવામાં આવેલ નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે 351 કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે 318 કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની રીપેરીંગ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના રસ્તાઓ પણ આગામી સમયમાં તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ 6 કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ પૂર્ણ

રાજ્યની આ નવી બનેલ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર 1,630 જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે 1,582 ખાડા સંપૂર્ણ રીતે બુરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 646 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 563 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યની સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ ગાંધીનગર, અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ 2267 પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી 1814 જેટલા બુરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા બુરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે. વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ 393 ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે 286 ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે.

જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઈલ, વોટ્સ અપ, વેબસાઈટ, હેલ્પલાઈન નંબર-ટોલફ્રી નંબર, સિવિક સેન્ટર, સ્માર્ટ સીટી એપ તેમજ મહાનગરપાલિકાઓના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવે છે જેનો સબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.

Leave a Comment