કમોસમી વરસાદ સહાય: કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦ હજાર કરોડના રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. ૬,૮૦૫ કરોડની સહાય ચૂકવાઈ. MSP હેઠળ પાક ખરીદીથી ખેડૂતોને કુલ રૂ. ૨૬ હજાર કરોડનો લાભ.
કમોસમી વરસાદ સહાય
રાજ્યમાં વરસેલા કમોસમી અસાધારણ વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક આર્થિક પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં રૂ. ૬,૮૦૫ કરોડથી વધુની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઊભા રહીને ઝડપભેર પાક સર્વે પૂર્ણ કરી રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.
૨૭ લાખથી વધુ ખેડૂતોને મંજૂરી, ચૂકવણી પ્રક્રિયા ઝડપી
મંત્રી શ્રી મોઢવાડીયાએ જણાવ્યું કે, આ પેકેજ અંતર્ગત રાજ્યના કુલ ૩૩ લાખ ખેડૂતોએ સહાય માટે અરજી કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં ૨૭ લાખથી વધુ ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. છેલ્લા માત્ર ૧૦ દિવસમાં જ ૨૨.૯૦ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂ. ૬,૮૦૫ કરોડથી વધુની રકમ જમા કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને પણ સહાય ચૂકવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
હેક્ટર દીઠ સહાય ડબલ, ૧૭ હજાર ગામોને લાભ
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે હેક્ટર દીઠ આપવામાં આવતી સહાય અગાઉની રૂ. ૧૧ હજારથી વધારીને રૂ. ૨૨ હજાર કરી છે તથા બે હેક્ટરની મર્યાદામાં વધુમાં વધુ રૂ. ૪૪ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. રાજ્યના કુલ ૧૮ હજાર ગામોમાંથી ૧૭ હજાર ગામોના ખેડૂતોને આ કૃષિ રાહત પેકેજનો સીધો લાભ મળી રહ્યો છે.
MSP હેઠળ પાક ખરીદીથી ખેડૂતોને મજબૂત આધાર
મંત્રી શ્રી મોઢવાડીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર માત્ર નુકસાનની સહાય પૂરતી જ નહીં પરંતુ ટેકાના ભાવે પાક ખરીદી દ્વારા પણ ખેડૂતોને મજબૂત સહારો આપી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રૂ. ૧૫ હજાર કરોડની MSP અંતર્ગત ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
રેકોર્ડબ્રેક નોંધણી, ખરીદી કેન્દ્રોની વિશાળ વ્યવસ્થા
તેમણે વધુમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે મગફળી, સોયાબીન, મગ અને અડદની ખરીદી માટે રેકોર્ડબ્રેક ૧૦.૧૧ લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષ કરતાં અઢી ગણો વધારો દર્શાવે છે. રાજ્યમાં મગફળીની ખરીદી માટે ૧૧૪ તાલુકામાં ૩૧૭ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
૭,૫૩૭ કરોડની ખરીદી, ૩,૪૬૮ કરોડની ચુકવણી
નવેમ્બરથી અત્યાર સુધીમાં મગફળી સહિત વિવિધ પાક માટે કુલ ૪.૭૫ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૧૦.૪૯ લાખ મેટ્રિક ટન જથ્થાની રૂ. ૭,૫૩૭ કરોડના મૂલ્યની ખરીદી કરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨.૧૮ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૩,૪૬૮ કરોડની ચુકવણી કરવામાં આવી છે. મગફળી સિવાયના પાકોની MSP ખરીદી પણ હાલ ચાલુ છે.
ખેડૂતોને કુલ રૂ. ૨૬ હજાર કરોડની માતબર સહાય
આ રીતે ટૂંકા ગાળામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં કુલ રૂ. ૮,૭૯૮ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. નુકસાન સહાય અને MSP બંને પેકેજને મળીને રાજ્ય સરકાર ખેડૂતોને કુલ રૂ. ૨૬ હજાર કરોડથી વધુની આર્થિક સહાય પહોંચાડશે.