સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025નો ભવ્ય પ્રારંભ થયો. ડાંગી નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષક ડ્રોન લાઇટ શોથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા.
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ 2025
સાપુતારા ખાતે ‘વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫’નો ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ થયો છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ગઇકાલે વિધિવત રીતે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલના પ્રારંભ સાથે જ સાપુતારાનું વાતાવરણ ઉત્સવી રંગોમાં રંગાઈ ગયું હતું.
પ્રવાસન વિકાસ સાથે સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન
ઉદ્ઘાટન પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2009થી સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ, સમર ફેસ્ટિવલ અને કાઈટ ફેસ્ટિવલ જેવા વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલો દ્વારા સાપુતારામાં આવતાં પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને પ્રવાસીઓને પ્રકૃતિનો આનંદ માણવા સાથે સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી.
ડાંગી નૃત્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આકર્ષણ
વિન્ટર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહ સાથે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના સ્થાનિક કલાકારો દ્વારા દેશ-વિદેશમાં પ્રસિદ્ધ ડાંગી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમો દ્વારા ડાંગની લોકસંસ્કૃતિ અને પરંપરાનો સુમેળ જોવા મળ્યો હતો.
ડ્રોન લાઇટ શોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા
ફેસ્ટિવલ દરમિયાન યોજાયેલા આકર્ષક ડ્રોન લાઇટ શોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ડ્રોન લાઇટ શોમાં સાપુતારા, એડવેન્ચર પ્રવૃત્તિઓ તથા અન્ય પ્રતિકાત્મક આકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું હતું. આ દૃશ્યો જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. વિન્ટર ફેસ્ટિવલ-૨૦૨૫થી સાપુતારામાં પ્રવાસન પ્રવૃત્તિઓને નવી દિશા મળશે તેમજ સ્થાનિક કળા, સંસ્કૃતિ અને રોજગારને પ્રોત્સાહન મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.